ઝંઝાવાત
ભલે ઘૂમે ઝંઝાવાત, ભલે ગાજે ઘનઘોર રાત,
અમે ડગલું ના પાછું ભરીએ, હો જી!
અમે પર્વત થઈને ઠરીએ, હો જી!
વજ્ર પડે તો છાતી ધરીએ, આગ પડે તો ગાજીએ,
માટી મારી માડી, એનો જશ લઈને જ જીવીએ;
લોહી રેડ્યું પૂર્વજોએ, એ જ અમારો ઇતિહાસ…
અમે ડગલું ના પાછું ભરીએ, હો જી!
ઘરમાં દીવો, દ્વારે દીવો, સરહદે પણ જ્યોતિ,
બરફે ઊભો સૈનિક જાણે, માની આંખનું મોતી;
એક જ ચિઠ્ઠી માને લખતો: ‘ચિંતા ના કર, માત…’
અમે ડગલું ના પાછું ભરીએ, હો જી!
પરાગ કહે: ના તલવાર, ના ઢાલ, હૈયે હિંમત બળ,
સાચને ખાતર ઊભો રહે જે, એ જ પહાડ અવિચળ;
ઝૂકે નહીં જે જુલમ આગળ, એની અમર છે વાત…
અમે ડગલું ના પાછું ભરીએ, હો જી!
– પરાગ રતનપરા