ઝીલાય ના
આજ હરખે આંખ છલકે, ઝાપટાં ઝીલાય ના,
દીકરી આવી પિયરમાં, ભામણાં ઝીલાય ના.
દસ વરસ વીત્યા પછી આકાશ ગાજ્યું ગામમાં,
ખેડુની નાની હથેળી, વાદળાં ઝીલાય ના.
તું મળી રસ્તે અચાનક, ને થયો ધબકાર ત્યાં,
આટલાં સુખનાં સજનવા છાંટણાં ઝીલાય ના.
પૌત્રને દાદી રમાડે છે પ્રથમ વેળા, અને
હાથ ધ્રૂજે છે બિચારા, પારણાં ઝીલાય ના.
આ પરાગે ફૂલ ખોલ્યું, મ્હેક એવી વિસ્તરી,
કે હવે આ નાનકાં બે આંગણાં ઝીલાય ના.
– પરાગ રતનપરા
#ગઝલ #હરખ #દીકરી #અતિઆનંદ #સુખનાંઆંસુ #પરાગરતનપરા
#GujaratiGhazal #OverflowingJoy #DaughterComesHome #TearsOfJoy #Blessings #ParagRatanpara