← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝરમર મેહુલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝરમર ઝરમર મેહુલો, સૈયર, ઊતર્યો આંગણ-ચોક,
ઓઢણી ભીંજે, ઝાંઝર ભીંજે, ભીંજે સઘળો લોક.

નેવાં નીતરે ટપક ટપક, ને મોર કરે છે ગ્હેક,
ધરતીમાંથી ઊઠી આવી ભીની માટીની મ્હેક;
સાસુ કહે: ‘ઘરમાં આવ’, પણ હૈયું ના માને રોક…
ઝરમર ઝરમર…

ખેતર વચ્ચે ઊભો એ, ને હાથમાં હળની દોર,
વીજ ઝબૂકી, ત્યાં તો દીઠો મારો ભીનો ચિતચોર;
આંખ મળી ને વાદળ ગરજ્યું — જાણે કરતું ટોક…
ઝરમર ઝરમર…

પરાગ કહે: વરસાદ તો વરસે સૌને સરખે ભાવે,
જે ભીંજાવા તૈયાર, એને જ વાદળ ગળે લગાવે;
છત્રી છોડો, સૈયર! ના ભીંજે, એને જીવનભર શોક…
ઝરમર ઝરમર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબાજીઆગલો લેખ →ટ્યૂબલાઇટ