ઝાંઝવાં
જોઈ પ્યાસી આંખને પણ છેતરાયાં ઝાંઝવાં,
ને નગરમાં કેનવાસે ચીતરાયાં ઝાંઝવાં.
કોણ મલ્હારો ગવે છે રેતના ટીંબા ઉપર,
સાંભળીને સૂર એનો ગૂંચવાયાં ઝાંઝવાં.
આંખ મારી રણ બની, જે સાંજ તેં લીધી વિદાય,
રોજ તારી યાદ લઈને વીંટળાયાં ઝાંઝવાં.
ગામમાં નળ તો નખાયા, ને છબી છાપે ચડી,
ને નળોમાંથી ટપકતાં પાથરાયાં ઝાંઝવાં.
ફૂલ થઈ ખીલ્યો નથી રણમાં કદી હું, ઓ ‘પરાગ’,
તોય મારી મ્હેકથી આ સાંકળાયાં ઝાંઝવાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ઝાંઝવાં #રણ #તરસ #મલ્હાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirage #DesertThirst #RainSong #Illusion #ParagRatanpara