જાળ
ભૂલવા ચાહું ઘણું, પણ કાલની આ જાળ છે,
જેમ છૂટું, એમ વધતી આગની આ ઝાળ છે.
બાળપણની ટેકરી પર દોડતો'તો હું સદા,
હાંફતો હું ઊતરું છું, ને પછી બસ ઢાળ છે.
પાંદડાં ખરતાં ગયાં, ને કોકિલા પણ ના રહી,
ત્યાં હવે ઝૂલા વગરની એક ખાલી ડાળ છે.
ફોન આવે ના, ન આવે પત્ર પણ, ના કોઈ જણ,
જે હતાં એ સૌ ગયાં, ને કોણ લેતું ભાળ છે?
આ પરાગે છિદ્રમાંથી જાળના છટકી જવું,
મ્હેકને રોકી શકે, એવી કશે ક્યાં પાળ છે?
– પરાગ રતનપરા
#ગઝલ #ભૂતકાળ #સ્મૃતિ #એકલતા #વૃદ્ધાવસ્થા #પરાગરતનપરા
#GujaratiGhazal #Past #Memories #Loneliness #OldAge #ParagRatanpara