← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જાગ્યું જેનું મનડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જાગ્યું જેનું મનડું, એને માયા નવ નડે જી,
ઝાકળ જેવો જગ જોતાં, એને સાચું મોતી જડે જી.

ભીતર દીવો પ્રગટ્યો, એને બ્હારના દીવા શું કામ?
હરતાં-ફરતાં, ખાતાં-પીતાં, શ્વાસે શ્વાસે રામ;
એવા જોગીની ઝૂંપડીએ ગગન ઝૂકી પડે જી…
જાગ્યું જેનું…

ભેદ ભૂલીને બેસે, એને ઊંચ-નીચ ન કોઈ,
કીડીમાં ને કુંજરમાં એણે એક જ જ્યોતિ જોઈ;
વેર-ઝેરના વાવટા એના આંગણે ન ચડે જી…
જાગ્યું જેનું…

પરાગ કહે: ઝાકળ ઊડ્યું, તોય ન કીધો શોક,
સૂરજ સાથે ભળી ગયું, એ જ એનો લોક;
એવા સંતની સંગતથી ભવનાં મૂળ ઊખડે જી…
જાગ્યું જેનું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઊપડ્યાં પગલાંઆગલો લેખ →મારાથી નથી થતું