હું ઊતરું
વાવનાં પગથાર ગણતો ભીતરે હું ઊતરું,
જળ સુધી, કે જાતના આ અંતરે હું ઊતરું?
મા અહીં આવી, ભરી’તી જળ સવારે રોજ, ને
એ જ ભીની યાદની આ ગાગરે હું ઊતરું.
કેટલા જન્મો ગયા, આ દેહના ઘરમાં રહી,
આ પ્રથમ વેળા સ્વયંના ઉંબરે હું ઊતરું.
જીવ પંખી થઈ ફફડતો, શોધતો આકાશ પણ,
તોય પાછો સાંજ પડતાં પાંજરે હું ઊતરું.
આભ છોડી, ડૂબવા ચાલ્યો તળે આજે ‘પરાગ’,
બુંદ થઈને આખરી, એ સાગરે હું ઊતરું.
– પરાગ રતનપરા
#ગઝલ #વાવ #આત્મખોજ #અધ્યાત્મ #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #Stepwell #InnerJourney #Mysticism #DescentWithin #ParagRatanpara