હું મને
ભીતરે બારણું ખોલતો હું મને,
ત્રાજવે સત્યના તોલતો હું મને.
ભીડમાં વાત સૌ સાથ કીધી ઘણી,
એકલામાં હવે બોલતો હું મને.
કોઈ ના તાલ, ના સૂર, ના ગીત, ને
ભીતરી તાલમાં ડોલતો હું મને.
છાલ જેવા અહં ને મુખવટા બધા,
પડ પછી પડ સતત છોલતો હું મને.
આ ‘પરાગે’ કળી જેમ, હળવે હવે
પાંખડી પાંખડી ફોલતો હું મને.
– પરાગ રતનપરા
#ગઝલ #આત્મખોજ #સ્વ #અહં #ધ્યાન #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfDiscovery #InnerJourney #Ego #Meditation #ParagRatanpara