હોત જો
કોણ રોકત આ ઉડાને, આજ પાંખો હોત જો,
હું ય ઈશ્વર જોઈ શકતો, બંધ આંખો હોત જો.
ઘાવ કરનારા ઉપર પણ ઝાડ વરસાવે ફળો,
આપણી પણ એટલી બસ નમ્ર શાખો હોત જો.
પાંચ વર્ષે આવતા એ હાથ જોડી ગામમાં,
આપણે પણ જીતતા, બસ હાથ લાખો હોત જો.
મા વિના કડવો થયો છે થાળનો હર કોળિયો,
એ જ હાથેથી ફરી, બસ એક ચાખો હોત જો.
આ પરાગે ફૂલ થઈને જીવવું ચાહ્યું સદા,
મ્હેક ફેલાવત બધે, છો રંગ ઝાંખો હોત જો.
– પરાગ રતનપરા
#ગઝલ #કાશ #ઇચ્છા #મા #નમ્રતા #પરાગરતનપરા
#GujaratiGhazal #IfOnly #Longing #Humility #MothersTouch #ParagRatanpara