હંસલો
માટીનું આ ખોળિયું રે, માટીમાં મળી જાશે,
હંસલો તો ઊડી જાશે, પીંજરું અહીં રહી જાશે.
મેડી, મ્હેલ ને માયા મોટી, ગણતાં ગણતાં ન ખૂટે,
છેલ્લી ઘડીએ શ્વાસ ગણે તો એક પછી એક છૂટે;
ખાલી હાથે આવ્યો’તો ને ખાલી હાથે જાશે…
માટીનું આ ખોળિયું રે…
સગાં-વહાલાં સૌ મળીને ચાર ડગલાં આવે,
સ્મશાન સુધી કાંધ દઈને પાછાં ઘર ભણી ધાવે;
ભીંતે તારો ફોટો, ઉપર હાર ચડી સુકાશે…
માટીનું આ ખોળિયું રે…
પરાગ કહે: આ હંસલો તો મોતી ચરવા આવ્યો,
ભજન, ભાવ ને ભલાઈનાં મોતી કેટલાં લાવ્યો?
એ મોતીની માળા લઈને ધણી પાસે જાશે…
માટીનું આ ખોળિયું રે…
– પરાગ રતનપરા