← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હીંચકો સાંભરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓસરીનો પેલો હીંચકો સાંભરે રે,
માડી, તારો ખોળો ને ઝીણો કિચૂડ સાદ સાંભરે રે.

બપોરે તું હીંચકે બેસી સોપારી કાતરતી,
વાતો કરતાં કરતાં માથે હાથ હળવે ફેરવતી;
આંખ મીંચાતી ને હીંચકો ધીમો પડતો,
જાણે આખો ઉનાળો મારે માથે છાંયો ધરતો…
ઓસરીનો પેલો…

દિવાળીએ ચૂનો ધોળ્યો, કડાં તેલથી ચોપડ્યાં,
હીંચકે બેસી ભાઈ-બહેનોએ ફટાકડાં ગણી જોયાં;
બાપુ છાપું વાંચે, તું ચા લાવે, ઘર આખું ઝૂલે,
કોઈ પણ દુ:ખ આવે તો હીંચકાને ઠેલે ભૂલે…
ઓસરીનો પેલો…

પરાગ કહે: હવે ફ્લૅટ છે, ના ઓસરી, ના કડાં,
રૂમમાં ઝૂલે છે ખુરસી, એમાં ક્યાં માનાં હડાં?
રાતે આંખો મીંચું ત્યાં તો કિચૂડ કિચૂડ થાય,
માડી, તારો હીંચકો મારા હૈયામાં હજી ગાય…
ઓસરીનો પેલો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનજરમાંઆગલો લેખ →રમત