હેડકી
હેડકી આવી ને મેં જાણ્યું, સાજન, તમે સંભાર્યાં,
પાણી પીધું તોય ના અટકી, તમે કેટલું ધાર્યાં!
રોટલો ઘડતાં હેડકી આવી, લોટ ઢળ્યો આંગણિયે,
સાસુ બોલ્યાં: ‘કોણ સંભારે?’ હું શરમાઈ ખૂણિયે;
મનમાં બોલી: ‘પરદેશી એ, આજ મને ના વિસાર્યાં’…
હેડકી આવી ને…
કૂવે ગઈ ત્યાં હેડકી આવી, બેડલું છલક્યું ભીનું,
ઝરૂખે ઊભી ત્યાં ય આવી, ચાંદ જુએ ઝીણું ઝીણું;
રાતભર હેડકીએ જ મને, સાજન, ખૂબ પજવ્યાં…
હેડકી આવી ને…
પરાગ કહે: આ હેડકી તો કાગળ વિનાનો કાગળ,
સો જોજનથી આવી પહોંચે, દોડે મનથી આગળ;
દૂર રહીને પણ સાજનજીએ, હૈયાં આમ પરોવ્યાં…
હેડકી આવી ને…
– પરાગ રતનપરા