હથેળીમાં
ભરોસો રાખ, કર્મોથી લખેલું છે હથેળીમાં,
હજી સપનું ય નાનકડું છુપેલું છે હથેળીમાં.
ભલે ખાલી બધાં ખિસ્સાં, ભલે ખાલી બધા કોઠાર,
છતાં આખું ય ચોમાસું ભરેલું છે હથેળીમાં.
હતો વંટોળ, ને દીવો હતો ઢાંકેલ હાથોથી,
નથી બુઝ્યો, છતાં થોડું બળેલું છે હથેળીમાં.
પિતાજી આંગળી ઝાલી મને મેળે ગયા’તા લઈ,
હજી પણ બાળપણ મારું રહેલું છે હથેળીમાં.
હતી ફોરમ, હતું ઉપવન, હતાં ભમરા, હતું ઝરણું,
પરાગ કહે, હવે તો બસ ખરેલું છે હથેળીમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #હથેળી #કર્મ #ભાગ્ય #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #PalmLines #Karma #Destiny #ChildhoodMemories #ParagRatanpara