હરિની કેડી
હરિ, તારી કેડી સાંકડી, ને મારે ખભે ભાર,
થોડું ઉતારું, થોડું રાખું, ક્યાં પહોંચું તારે દ્વાર?
ખભે અહમનું પોટલું, માથે માયાનો મોડ,
પગમાં મોહનાં ઝાંઝર ઝણકે, મનમાં લાલચ-દોડ;
એક એક ઉતારું તો હળવો થાઉં, એ જ ઉપચાર —
હરિ, તારી કેડી સાંકડી, ને મારે ખભે ભાર.
તુલસીક્યારે દીવો મેલ્યો, માળા ફેરવી રોજ,
પણ પાડોશીની ભૂખ ન દેખી, એ કેવી મારી ખોજ?
મંદિરને નહિ, માણસને સેવું, એ તારો દરબાર —
હરિ, તારી કેડી સાંકડી, ને મારે ખભે ભાર.
પરાગ કહે: ખાલી હાથે જ્યાં ઊભો હું દરવાજે,
હરિએ પોતે હાથ ઝાલીને બેસાડ્યો મને પાસે;
ખાલી થયો તો ભરાઈ ગયો, એ જ ભક્તિનો સાર —
હરિ, તારી કેડી સાંકડી, ને મારે ખભે ભાર.
– પરાગ રતનપરા