← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હરિ વરસ્યા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હરિ વરસ્યા રે ઘનઘોર, મારા અંતરના આંગણિયે,
ભીંજ્યો ભીંજ્યો રે મારો મોર, મારા હૈયાના ખૂણિયે.

ના કોઈ વાદળ દીઠું આભે, ના કોઈ વીજ ચમકી,
તોય અચાનક ઝરમર ઝરમર, પ્રેમની હેલી છલકી;
સૂકી ધરતી હસી ઊઠી, ફૂટ્યા અંકુર કણકણિયે…
હરિ વરસ્યા રે ઘનઘોર…

ગંગા ન્હાયો, તીરથ કીધાં, તોય ન ભીંજ્યું મનડું,
એક ભજનની ધૂન લાગી, ને ઊઘડી ગયું બારણું;
ભીતર વહેતી જમના જોઈ, શ્યામ મળ્યા પાંપણિયે…
હરિ વરસ્યા રે ઘનઘોર…

પરાગ કહે: આ વરસાદ તો બારેમાસ વરસતો,
આપણું છત્ર અહંનું, એથી કોઈ ન ભીંજાતો;
છત્રી છોડો, ખોલો હૈયું, હરિ મળે આંગણિયે…
હરિ વરસ્યા રે ઘનઘોર, મારા અંતરના આંગણિયે.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચાંદ પર પગલાંઆગલો લેખ →એ ગનીમત છે