હરિ હરી ગયો
હરિ મારું મન હરી ગયો રે, હરિ મારું મન,
ખાલી પાંજરું મેલી ગયો, ઊડ્યું પંખી-તન.
માખણ ચોરે એ તો સૌનું, મેં તો વાસ્યો તાળો,
તાળો તોડ્યા વગર જ લઈ ગ્યો, ચોર ખરો રૂપાળો!
ચાવી મારા હાથમાં રહી, ને સૂનું થયું ભવન…
હરિ મારું મન…
ગોકુળ શોધ્યું, મથુરા શોધી, શોધી દ્વારિકા ધામ,
જ્યાં જોઉં ત્યાં મારું મન તો રટે શ્યામનું નામ;
ચોર ભલે ના પકડાયો, પણ મળ્યું ચોરીનું ધન…
હરિ મારું મન…
પરાગ કહે: આ ચોરી તો છે સૌથી મોટું દાન,
જે મન હરિએ હરી લીધું, એ જ થયું ભગવાન;
ખોવાઈને જડ્યા અમે, હવે શું કરીએ જતન?
હરિ મારું મન…
– પરાગ રતનપરા