← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હરિ આવે આંગણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજ હરિ મારે આંગણે આવે, સાથિયા પૂરું રે,
ઉંબરે દીવા, તોરણ બાંધું, હૈયું ઝૂરું રે.

ઘર લીંપ્યું ગાયના છાણે, કંકુ ઘોળ્યાં વાડકે,
તુલસી ક્યારે દીવો મેલ્યો, ધૂપ ભર્યો છે ગોખે;
પણ ક્યાં બેસાડું? આ ઝૂંપડીમાં ગાદી ક્યાંથી લાવું રે…
આજ હરિ…

સાંજ પડી, ને રાત પડી, ના આવ્યા ગિરધારી,
બારણે એક ભૂખ્યો બાળક ઊભો, આંખો ભીની ભારી;
રોટલો દીધો, પાણી પાયું, ત્યાં મલક્યો મારો શ્યામ રે…
આજ હરિ…

પરાગ કહે: હરિ ન આવે રથમાં, ન આવે શંખનાદે,
એ તો આવે ભૂખ્યા પેટે, આવે દુખિયાના સાદે;
જેણે ઓળખ્યો, એના આંગણે નિત દિવાળી, પૂનમ રે…
આજ હરિ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહા કે નાઆગલો લેખ →પાણી