હાથમાં
જ્યોતિષીએ જોઈ લીધો એક તારો હાથમાં,
ને પસીનાએ ઘડી દીધો કિનારો હાથમાં.
જિંદગી સિક્કો બની, સૌએ ઉછાળી છે ઘણી,
છે હજી જીવંત બસ એક ધબકારો હાથમાં.
બાળપણમાં કાગળોની નાવ લઈને દોડતો,
આજ ઑફિસના હિસાબોનો પનારો હાથમાં.
હાથ છોડીને તમે ચાલ્યાં ગયાં એ સાંજથી,
સ્પર્શનો એ શેષ છે ઝીણો તિખારો હાથમાં.
જે ગયા તે સૌ ગયા ખાલી હથેળી લઈ, ‘પરાગ’,
મ્હેકનો રાખીશ હું થોડો વધારો હાથમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #હસ્તરેખા #પરિશ્રમ #નસીબ #સ્પર્શ #પરાગરતનપરા
#GujaratiGhazal #Destiny #HardWork #Palmistry #LifeInOurHands #ParagRatanpara