ગુરુની ફૂંક
ગુરુજી, તમે ફૂંક મારી ને દીવો મારો જાગ્યો,
વરસોનો અંધાર ભરેલો ઓરડો ઝળહળ લાગ્યો.
કાશી ગ્યો, મથુરા ગ્યો, ગ્યો ગંગાજીને ઘાટ,
માળા ફેરવી, પોથી ફેરવી, તોય ન સૂઝી વાટ;
તમે એક જ વેણ કીધું ને મનનો મણકો ભાંગ્યો…
ગુરુજી, તમે ફૂંક મારી…
જે શોધતો’તો વનવગડે, ઈ તો બેઠો’તો ભીતર,
કસ્તૂરી ને મૃગલાની પેઠે ભટક્યો હું ગામતર;
ઘટમાં ઘૂઘવે સાગર, મેં તો ખોબો પાણી માગ્યો…
ગુરુજી, તમે ફૂંક મારી…
પરાગ કહે: ગુરુ મળ્યા તો મળિયો મારગ સાચો,
ચોરાસીના ચકરાવેથી છૂટ્યો મનનો પાંચો;
હવે તો હું ય દીવો થઈને બીજાનો અંધાર ત્યાગ્યો…
ગુરુજી, તમે ફૂંક મારી…
– પરાગ રતનપરા