ગુરુ કુંભાર
ગુરુ મારો કુંભાર રે, મને ચાકડે ચડાવે,
બહારથી થાપટ મારે, અંદર હાથ ટેકાવે.
માટી હતો હું ઢગલો, ના રૂપ, ના આકાર,
ગુરુએ ભીંજવ્યો, ગૂંદ્યો, ને દીધો મને વિચાર;
ધીમે ધીમે ફેરવીને ઘડો મુજને બનાવે…
ગુરુ મારો કુંભાર રે…
ટપલી વાગે તો રોઉં, પણ એ ટપલી છે પ્યાર,
અંદર હાથ ન હોય તો તૂટી જાઉં હું ચોધાર;
નીંભાડે તપવાનું, એ પણ ગુરુ જ શીખવાડે…
ગુરુ મારો કુંભાર રે…
પરાગ કહે: હવે ઘડો હું, ભરી રાખું જળ,
તરસ્યાને પાઉં, ત્યારે ગુરુ મલકે નિર્મળ;
ઘડો તૂટે તો માટી, ને માટી પાછો ગુરુ ઉઠાવે…
ગુરુ મારો કુંભાર રે…
– પરાગ રતનપરા