ગુનો મારો
હતી ધરતી, હતા પગ, પણ ગગન જોવું ગુનો મારો,
નગર સૂતું હતું આખું, ગઝલ ગાવું ગુનો મારો.
હસે છે ભીડ મેળામાં, બધા નાચે, બધા ઝૂમે,
ન હસવાની કલા આવી, નયન રોવું ગુનો મારો.
બધા ગણતા હતા સિક્કા, બજારે ભાવ પૂછે સૌ,
ઘડીભર ફૂલ પાસે હું, મગન હોવું ગુનો મારો.
કહે રાણો, ‘જરા સમજી, ભરેલું ઝેર પ્યાલામાં,’
હસી મીરાં, કહે, ‘હા, હા, અગન પીવું ગુનો મારો.’
પરાગે ફૂલ ત્યાગીને, પવનનો સાથ લીધો છે,
હવે આખું જગત ઘર છે, વતન ખોવું ગુનો મારો?
– પરાગ રતનપરા
#ગઝલ #સ્વપ્ન #મીરાં #અલગારી #સ્વતંત્રમિજાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #DaringToDream #Meera #FreeSpirit #Defiance #ParagRatanpara