ગુલમ્હોર
આ ગુલમ્હોર જો ખાળતો તાપમાં,
સૂર્યને રંગમાં ઢાળતો તાપમાં.
છાંયડે ગામ સૂતું, ઢળી ઊંઘમાં,
એ ખડો, ઝાળ ના ટાળતો તાપમાં.
ઈંટ માથે અને ગીત હોઠે ધરી,
છોકરો શ્વાસને બાળતો તાપમાં.
વાદળો ક્યાં ગયાં? કોઈ જાણે નહીં,
ખેડુ આશા હજી પાળતો તાપમાં.
ઠંડકે શબ્દ કાચા રહે છે, ‘પરાગ’,
હું ગઝલને ઘડી ગાળતો તાપમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ગુલમ્હોર #ઉનાળો #તાપ #મજૂર #પરાગરતનપરા
#GujaratiGhazal #Gulmohar #SummerHeat #Resilience #ForgedInFire #ParagRatanpara