ગુડ મૉર્નિંગ
સવાર પડે ને ફોન ગુંજે: ‘ગુડ મૉર્નિંગ’નો વરસાદ,
ફૂલ, સૂરજ, ચા ને કપ — સૌ ફૉરવર્ડનો પ્રસાદ!
માસીએ મોકલ્યું ગુલાબ, ને ફુઆએ મોકલ્યો હંસ,
ગ્રૂપમાં સો સંદેશા, ને સૌમાં એનો એ જ અંશ;
‘આ મેસેજ દસને મોકલો, નહીં તો થાશે વિષાદ!’
સવાર પડે ને…
કાકા બોલે: ‘નાસા કે’છે’, મામા કહે: ‘એ સાચું,’
‘લીંબુ-પાણીથી બધું મટે’ — લખે ભત્રીજો કાચું;
યુનિવર્સિટી વૉટ્સઍપની, ભણે આખો સમાજ!
સવાર પડે ને…
પરાગ કહે: સો ગુડ મૉર્નિંગ, પણ પડોશે બા છે માંદી,
કોઈ ન જાતું ખબર કાઢવા — ફોનમાં સૌની ચાંદી;
એક ‘કેમ છો?’ સાચું પૂછો, એ જ સાચો આશીર્વાદ.
સવાર પડે ને ફોન ગુંજે…
– પરાગ રતનપરા