ગોટો નથી
હું નથી ઈશ્વર, છતાં હું સાવ પણ ખોટો નથી,
એક માણસ છું, ઘણો નાનો, કશે મોટો નથી.
એક સારું કામ કીધું, ને મને સૌ પૂજતા,
હું કહું: ‘પૂજા નહીં, હું ભીંતનો ફોટો નથી.’
આપવાથી ખૂટતો ના પ્રેમનો ભંડાર કંઈ,
હેતનો તો કોઈ દી’ પણ ક્યાંય પણ તોટો નથી.
ઈશ્વરે બાને ઘડી, ને હાથ લૂછી એ કહે:
‘આ જ છે બેજોડ, એનો મુજ કને જોટો નથી.’
ધૂપ જેવો હું બળું, ને મ્હેક આપું, ઓ ‘પરાગ’,
હું ધુમાડાનો નકામો શ્યામ શો ગોટો નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #માણસ #માનવતા #નમ્રતા #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #BeingHuman #Humility #NoGodJustHuman #MothersWorth #ParagRatanpara