← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગોકુળ સૂનું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાનો ગયો મથુરા, ને ગોકુળ સૂનું રે,
વાંસળી વિનાનું વૃંદાવન જાણે જૂનું રે.

જમનાને કાંઠે હવે ગાયો ના ચરે,
કદંબની ડાળે કોઈ મોરપીંછ ના ફરે;
માખણનાં માટલાં ભર્યાં, કોણ ફોડે? કોણ ચોરે?
રાધાનું હૈયું રે થયું ખંડેર જૂનું રે…
કાનો ગયો મથુરા…

ઓધવજી આવ્યા લઈ જ્ઞાનનાં પોટલાં,
ગોપીઓ બોલી: ‘લઈ જાઓ આ તમારાં ઓટલાં;
અમે તો ભણ્યાં બસ એક જ અક્ષર — કાનો,
બીજું ભણીએ તો ય મનમાં ઊગે ના કૂણું રે…’
કાનો ગયો મથુરા…

પરાગ કહે: મથુરામાં તો રાજ ને સિંહાસન,
ગોકુળ પાસે બચ્યાં બસ આંસુ ને સ્મરણ;
દ્વારિકાનો ધણી થયો, પણ ગોકુળનો ના રહ્યો —
પ્રેમ જીત્યો કે રાજ? એ પૂછે છે ગોકુળ સૂનું રે…
કાનો ગયો મથુરા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખજિંદગીઆગલો લેખ →મનનો તાગ