ઘટ ઘટમાં
ઘટ ઘટમાં તું બેઠો, સાધો, ઘટ ઘટમાં તું બેઠો,
મંદિર-મસ્જિદ ફરતો રહ્યો, ને ના ભીતરમાં પેઠો.
ઝીણી ઝીણી ચાદર વણી, તાણે-વાણે રામ,
ઓઢી ઓઢી મેલી કીધી, ભૂલ્યો એનું નામ;
જેવી લીધી, તેવી દેજે — એ જ ગુરુનો સંદેશો…
ઘટ ઘટમાં…
પોથાં વાંચ્યાં, પંડિત થયો, પણ અઢી અક્ષર ભૂલ્યો,
પ્રેમ વિના તો ગ્રંથોનો ઢગ, ખાલી ઝૂલે ઝૂલ્યો;
માળા ફેરી મણકે મણકે, મનનો ના એક ફેરો…
ઘટ ઘટમાં…
પરાગ કહે: આ કબીર-વાણી સાદી, સીધી, સાચી,
ભીતર દીવો કર, ઓ સાધો, બાકી માયા કાચી;
જાત ઓગાળી જોયું, ત્યાં તો હું ય નહોતો, એ જ બેઠો…
ઘટ ઘટમાં…
– પરાગ રતનપરા