ઘરડો વડ
પાદરનો ઘરડો વડ બોલ્યો: ‘મને ના કાપો, ભાઈ,
મારી વડવાઈએ ઝૂલ્યા'તા તમે, ને તમારા બાપ-ભાઈ.’
મારે છાંયે પંચ ભરાતું, ન્યાય થતો ત્યાં સાચો,
મારી ડાળે પોપટ બોલે, તમે શીખતા વાંચો;
ચોમાસે મારા પાનેથી ટપકે ગામની વડાઈ —
પાદરનો ઘરડો વડ…
ડામરનો રસ્તો આવે છે, મોટર દોડશે ભારે,
મારો શું વાંક? કે હું ઊભો આ રસ્તાને કિનારે;
કરવત લઈને આવ્યા સાહેબ, ને પંખી ગયાં પરાઈ —
પાદરનો ઘરડો વડ…
પરાગ કહે: વડ કપાયો ને પાદર થઈ ગયું ઉજ્જડ,
રસ્તો પહોળો, મન સાંકડાં, ને ગામ થઈ ગયું ખડખડ;
હવે તડકે તપતો ડોસો શોધે છાંયાની સગાઈ —
પાદરનો ઘરડો વડ…
– પરાગ રતનપરા