ઘર ઘરમાં કાનો
મેં તો ઘર ઘરમાં દીઠો કાનો, હો સૈયર,
ક્યાંક માખણ ચોરે, ક્યાંક રમે છાનોમાનો.
કોઈના ઘરમાં પારણે ઝૂલે, મુઠ્ઠી વાળી સૂએ,
કોઈના ફળિયે ધૂળમાં રમતો, કાદવ ઓઢી રૂએ;
માને ખોળે માથું મૂકે, એ જ ગોકુળનો ખાનો…
મેં તો ઘર ઘરમાં દીઠો કાનો.
ગાયો ચારે ગામને પાદર, વાંસળી ખિસ્સે ખોસી,
ભૂખ્યો રહીને ભાથું વહેંચે, એવો ભેરુ હોંશી;
રસ્તે ઊભો ફુગ્ગા વેચે, મોરપીંછ વિનાનો…
મેં તો ઘર ઘરમાં દીઠો કાનો.
પરાગ કહે: મંદિરમાં જઈને ક્યાં શોધો છો શ્યામ?
જે આંખોમાં મમતા ઊગે, એ આંખો એનું ધામ;
બાળક હસે ત્યાં હસતો આવે, રમતો રહે નાનો…
મેં તો ઘર ઘરમાં દીઠો કાનો.
– પરાગ રતનપરા