ઘડિયાળમાં
શ્વાસ મારો કણ કણે આ ખૂટતો ઘડિયાળમાં,
ને સમય પોતે ય જાણે તૂટતો ઘડિયાળમાં.
ક્યાં ગયું એ બાળપણ, ને ક્યાં ગયાં સૌ ખેલ એ?
આંગળી ઝાલી હતી જે, છૂટતો ઘડિયાળમાં.
બૉસ આવે, ને ઘડી પર આંખ ત્યાં ચોંટી રહે,
રોજનું આખુંય સુખ જે લૂંટતો ઘડિયાળમાં.
રાહ જોવાનો નશો કેવો, કહું કોને હવે?
ઝેર મીઠું ઘૂંટ ઘૂંટે ઘૂંટતો ઘડિયાળમાં.
આ ‘પરાગે’ કાન માંડ્યા, ટક ટકે ટહુકો હતો,
સાવ કોમળ, ફૂલ જેવો, ફૂટતો ઘડિયાળમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #ઘડિયાળ #બાળપણ #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #TickingClock #FleetingLife #Waiting #ParagRatanpara