ઘડપણ
ઘડપણ આવ્યું રે ધીમે પગલે, જેમ સાંજનો તડકો,
વાળે રૂપું ચડ્યું, ને હૈયે ઠરી ગયો સૌ ભડકો.
જુવાનીમાં દોડ્યા’તા જે, હવે બેઠા ઓટલે,
છોકરાંના છોકરાં રમાડે, કેડે, ખોળે, ખભલે;
આંખે ઝાંખું દેખાય, પણ દેખાય ભીતરનો મરકો…
ઘડપણ આવ્યું રે…
સગાં-સંબંધી ઓછાં થ્યાં, પણ સાચાં રહી ગયાં થોડાં,
માળા ફરતી આંગળીએ ને ગીતા વાંચે કોરાં;
વાતે વાતે હસવું આવે, ના રહ્યો કોઈ છણકો…
ઘડપણ આવ્યું રે…
પરાગ કહે: આ ઘડપણ તો છે પાકી કેરીની મીઠાશ,
ખરવાનું છે નક્કી, તોયે ડાળે મ્હોરે ઉજાસ;
જાતાં જાતાં સૌને દેતો જાઉં મીઠો લહેરકો…
ઘડપણ આવ્યું રે…
– પરાગ રતનપરા