← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગજરો કોનો?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભળકડે આવ્યા સાયબા, આંખે ઉજાગરો કોનો?
પાઘડીના પેચમાં ભરાયો મોગરાનો ગજરો કોનો?

આખી રાત મેં દીવો રાખ્યો, ઠરી ગઈ'તી થાળી,
ઝાંપે ઊભી તારા ગણ્યા, ગણી ગણી થઈ કાળી;
ખેસ પર તમારા અત્તરનો આ છંટકાવ કોનો?
ભળકડે આવ્યા સાયબા…

કહો છો કે ખેતરે હતા, વાડે ભેળાં ઢોર,
ખેતરમાં તો ઝાકળ પડે, ના ઝાંઝરના શોર;
બાંયે ભરાયો તૂટેલો આ કાચનો ચૂડો કોનો?
ભળકડે આવ્યા સાયબા…

પરાગ કહે: ગોરી રિસાણી, મોઢું લીધું ફેરી,
સાયબો બોલ્યો: ‘ભોળી! આ તો બેનીનાં લગનની ફેરી!’
હસી પડી ગોરી, તોય પૂછે: ‘મનમાં વસિયો કોનો?’
ભળકડે આવ્યા સાયબા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપરીક્ષા ચાલુ છેઆગલો લેખ →એક જ બોલ