ગગન
લકીરો ધરા પર, ન તારું ગગન,
પરિંદાં કહે: આ અમારું ગગન.
હતો બાળ ત્યારે ખભે બાપના,
હતું એક ઊંચું ઉધારું ગગન.
ધુમાડો, ઇમારત, અને ટાવરો,
હવે તારમાં છે બિચારું ગગન.
તિરાડો ધરામાં, બળે છે પરાળ,
હસે ખેડુ પર આ નઠારું ગગન.
પરાગે નયનમાં ભરી નીલિમા,
હવે પાંપણોમાં ઉતારું ગગન.
– પરાગ રતનપરા
#ગઝલ #ગગન #આકાશ #પિતા #સરહદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sky #NoBorders #Father #UrbanLife #ParagRatanpara