ગામથી
પાર્સલે આવ્યું ભરેલું છે અથાણું ગામથી,
ફોન આવ્યો, ને સુણાયું એક ગાણું ગામથી.
બાપુનો કાગળ હતો: વરસાદ આવ્યો ખેતરે,
‘આવ, બેટા, આ વરસ છે ખાસ ટાણું’ ગામથી.
આ વિદેશે ડૉલરો શું ઝાડ પર ઊગે, ભલા?
રોજ માગણ પત્ર આવે: ‘લાવ નાણું’ ગામથી.
ફ્લૅટમાં તો આંખ ખોલે એક ઘંટી ફોનની,
કૂકડાના સાદ સાથે રોજ વાણું ગામથી.
આ ‘પરાગે’ દેશ-પરદેશે ઉજાણી બહુ કરી,
ભૂખ ભાંગે, જ્યાં મળે બસ એક ભાણું ગામથી.
– પરાગ રતનપરા
#ગઝલ #ગામ #પરદેશ #માનોસ્વાદ #વતનઝુરાપો #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageCalling #Diaspora #TasteOfHome #Homesick #ParagRatanpara