ગામને ચોરે વાત
પનઘટથી હું પાછી વળી, ત્યાં ગામને ચોરે વાત,
કે કોણે મારી ગાગરમાં ઝબકાવી ચાંદની રાત?
કૂવાને કાંઠે ઊભો’તો કોઈ ઘોડલો લઈને સાથ,
નજર મળી ને નીચી ઢળી, મેં ઢાંક્યો મારો હાથ;
તોય પવનના કાનમાં કોણે ફૂંકી આખી વાત?
કે કોણે મારી ગાગરમાં…
માસી પૂછે, મામી પૂછે, ભાભી મારે ટોણાં,
દાદીમા તો મરક મરક હસી બોલે: ‘આવ્યાં સોણાં!’
હું તો સાવ રે કોરી કાગળ, ગામે ચીતરી ભાત…
કે કોણે મારી ગાગરમાં…
પરાગ કહે: આ ગામની જીભે ફૂલ ઊગે કે કાંટા,
પણ પ્રીતની વાતે વાયરા ઉપર ફૂટ્યા કંકુ-છાંટા;
વાત ઊડી તો ઊડવા દે, એ જ તો છે સોગાત…
કે કોણે મારી ગાગરમાં…
– પરાગ રતનપરા