ફોરમ
વરસો વીત્યાં, તોય હજી એ ફોરમ ક્યાંથી આવે?
દેવદારના વનની વાતો કોણ ફરીથી લાવે?
પહાડી કેડી, ઠંડો વાયુ, ઝાકળભીની સવાર,
તારા હાથની હૂંફ હતી ને આંખોમાં અણસાર;
એ પળ તો ગઈ, તોય હજી એ પળની સુગંધ સતાવે…
વરસો વીત્યાં…
શહેરના ઘરમાં ધૂળ ચડે ને દીવાલે ભેજ ચડે,
તોય કબાટે સાચવેલું એ સ્વેટર મહેકી પડે;
ઊનના એક તાંતણે આખો પર્વત પાછો ઝૂલાવે…
વરસો વીત્યાં…
પરાગ કહે: સ્મૃતિ તો છે ફૂલ વગરની મ્હેક,
ના દેખાય, ના પકડાય, તોય રહે છે છેક;
શ્વાસે શ્વાસે ભળી ગઈ એ, મરણ પણ ક્યાં ભુલાવે…
વરસો વીત્યાં…
– પરાગ રતનપરા