ફૂલ ને ફોરમ
ફૂલ ગયું વગડે ફોરમ શોધવા, ફોરમ ગઈ ફૂલ ગોતવા,
બેઉ ભટક્યાં સાત સમંદર, મળ્યાં ઘરને ઓટલે સૂતાં.
ફૂલ ગયું પર્વતની ટોચે, પૂછ્યું સૌ પવનોને,
ફોરમ ગઈ મંદિર-મસ્જિદમાં, પૂછ્યું સૌ ભગતોને;
કોઈ ન બોલ્યું, સૌ પોતાની વાતે રહ્યા રે જોતા…
ફૂલ ગયું વગડે…
થાકી હારી પાછાં ફરિયાં, સાંજ પડી’તી ગામે,
તુલસી ક્યારે દીવો બળતો, મા બેઠી’તી સામે;
માના સાડલે ફોરમ મળી ને ફૂલ મળ્યું એને ખોળે…
ફૂલ ગયું વગડે…
પરાગ કહે: આ શોધ જુઓ તો કેવી ઊંધી ચાલે,
જેને દૂર દૂર ગોતો, એ તો ઊભું છે બસ ઢાળે;
પાસે છે એ પરખી લઈએ, તો શીદ જનમ આ ખોતા…
ફૂલ ગયું વગડે…
– પરાગ રતનપરા