ફોનમાં
ઘર, ગલી, ને ગામ, ને સંસાર આખું ફોનમાં,
પ્રેમને પણ પાસવર્ડે બંધ રાખું ફોનમાં.
બા બિચારી ઓસરીમાં વાત કરવા ઝંખતી,
હું ય એની પોસ્ટ પર બસ ‘હાર્ટ’ નાખું ફોનમાં.
થાળમાં ભોજન ઠરે ને આંખ સ્ક્રીને ચોંટતી,
સ્વાદ તો બીજે રસોડેથી જ ચાખું ફોનમાં.
રાતભર સ્ક્રીનો નિહાળી આંખ બળતી જાય, ને
તો સવારે આભ આખું સાવ ઝાંખું ફોનમાં.
આ પરાગે પણ ગઝલ વાંચી, ન તાળી કો’ પડી,
કેટલા ‘વ્યૂ’ આવશે, એ રોજ ભાખું ફોનમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #મોબાઇલ #સોશિયલમીડિયા #આધુનિકજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #PhoneAddiction #SocialMedia #ModernLife #ParagRatanpara