ફાગણમાં મીરાં
રંગ ન નાખો, લોકો, મારે ચડ્યો શ્યામનો રંગ,
કેસૂડો શું રંગે મુજને? રંગાયું અંગેઅંગ.
ગામ ગલીમાં ઊડે ગુલાલ, ઢોલ નગારાં વાગે,
મારે તો એકતારો બોલે, જાગું શ્યામને રાગે;
પિચકારી શું ભીંજવે, જ્યાં ભીંજાયું અંતર-અંગ? —
રંગ ન નાખો, લોકો, મારે ચડ્યો શ્યામનો રંગ.
રાણાજીએ મોકલ્યો પ્યાલો, મેં માન્યો ફાગ-અબીલ,
ઝેર પીધું તો અમરત થઈ ગ્યું, ઝૂમ્યું હૈયું ગહીલ;
કાળો રંગ જ ચડે, પછી ના ઊતરે એ સંગ —
રંગ ન નાખો, લોકો, મારે ચડ્યો શ્યામનો રંગ.
પરાગ કહે: આ હોળી સૌની એક દિવસની હોય,
મીરાંની તો જનમજનમની, ધોયે ધોવાય ન કોય;
ભીંજે જેનું મન, એને જ મળે રંગ અભંગ —
રંગ ન નાખો, લોકો, મારે ચડ્યો શ્યામનો રંગ.
– પરાગ રતનપરા