એક જ વરસાદ
તારી આંખે ચાંદો ઊગે, મારે આંગણ રાત,
તું મલકે ને હું મ્હોરું, એ કેવી મીઠી વાત!
તું બોલે તો કોયલ ટહુકે, ચૂપ રહે તો મોર,
તારે હાથે બાંધ્યો મેં તો રેશમનો એક દોર;
દોર ખેંચે તું ધીમે, ને હું ખેંચાઉં દિનરાત…
તું મલકે ને હું મ્હોરું…
તું ચાલે ને પગલે પગલે ફૂટે લીલું ઘાસ,
હું પાછળ પાછળ ચાલું, લઈ પતંગિયાનો શ્વાસ;
તારે ગામ જ મારું ગામ, ને તારી નાત એ નાત…
તું મલકે ને હું મ્હોરું…
પરાગ કહે: પ્રેમમાં બેનો એક જ શ્વાસ ને સાદ,
એક જ છત્રી, એક જ રસ્તો, ને એક જ વરસાદ;
ભીંજે બંને સાથે, તોય કોરી રહે ના જાત…
તું મલકે ને હું મ્હોરું…
– પરાગ રતનપરા