એક છત્રીમાં
એક છત્રીમાં બે જણ, ને વરસાદ આખું ગામ,
તું ડાબે ભીંજાય, હું જમણે, ને વચ્ચે તારું નામ.
બસ-સ્ટેન્ડ પર ઊભાં’તાં, ને આભ ફાટ્યું ધોધમાર,
તેં પૂછ્યું: ‘છત્રી છે?’ મેં ખોલી, બંધ થયો સંસાર;
ટીપાં બોલ્યાં ટપ ટપ ટપ, ને હૈયું બોલ્યું ‘રામ’…
એક છત્રીમાં…
બસ આવી ને ગઈ, પણ આપણે ચડ્યાં જ નહીં,
કંડક્ટર હસ્યો, ગામ હસ્યું, આપણે બોલ્યાં નહીં;
છત્રીના સળિયે અટવાયો પહેલા પ્રેમનો પૈગામ…
એક છત્રીમાં…
પરાગ કહે: આ છત્રી નહીં રે, આ તો નાનું આભ,
બે જણ માટે પૂરતું, બાકી જગને આપો લાભ;
વરસાદ તો બહાનું હતું, ભીંજાવાનું કામ…
એક છત્રીમાં…
– પરાગ રતનપરા