← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડુંગરની દીકરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડુંગરની દીકરી નદી, પિયર છોડી ચાલી રે,
ખળખળ ખળખળ ગીત ગાતી, ઝાંઝર ઝણકાવી ચાલી રે.

રસ્તે આવ્યાં ગામ ને ખેતર, પાયું સૌને પાણી,
ઘાટે ઘાટે ઓવારણાં, ને ઘાટે ઘાટે કહાણી;
કાંઠે બેઠી ગામની વહુઓ, હેત વરસાવી ચાલી રે…
ડુંગરની દીકરી…

નગર આવ્યું ત્યાં મેલી થઈ, ગટરે ભર્યો ખોળો,
કારખાનાંએ ઝેર ઠાલવ્યું, તોય ન કીધો રોળો;
આંસુ પીને, મૌન રહીને, દરિયે સમાવા ચાલી રે…
ડુંગરની દીકરી…

પરાગ કહે: નદી તો મા છે, આપે જ આપે બધું,
આપણે બદલામાં દીધું પ્લાસ્ટિક, મેલું, કશુંક ઊંધું;
મા રિસાશે તો કોણ મનાવે? એ વાત સમજાવી ચાલી રે…
ડુંગરની દીકરી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખફળિયાનો લીમડોઆગલો લેખ →તાનપૂરો