દુકાળ
આખું ગગન તાકું છતાં, એ વાદળે આવ્યો નહીં,
ને દીકરો પરદેશથી, એ કાગળે આવ્યો નહીં.
પંખી ગયાં, ઢોરાં બધાં ભૂખે મરે ને ભાંભરે,
એ ભેજ થઈ, ભૂલ્યો ભટક્યો ઝાકળે આવ્યો નહીં.
લીંપી અને ઝાડી ઘણું, દીવો કરી ઉંબર પરે,
એ સાંજ વીતી, રાત વીતી, સાંકળે આવ્યો નહીં.
વાવ્યાં હતાં જે બીજ, એ ધરતી મહીં સૂકાં થયાં,
લીલાશનો એ રંગ પણ આ કૂંપળે આવ્યો નહીં.
સૂકી ધરા પર ફૂલ ના, ને ના પરાગે ગંધ પણ,
કોયલ તણો ટહુકો હવે આ પીંપળે આવ્યો નહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #દુકાળ #પ્રતીક્ષા #ખેડૂત #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Drought #Waiting #FarmersPain #Absence #ParagRatanpara