ધૂપ
જાત બાળી મ્હેકતો જે, એ જ સાચો ધૂપ છે,
ના કદી ફરિયાદ કરતો, પ્રેમનું એ રૂપ છે.
ચાદરો ચડતી રહે ને લોક માગે માનતા,
પીર મલકે, ને કશું ના બોલતા, બસ ચૂપ છે.
ઝાંઝવાં પાછળ ઘણું દોડ્યો, તરસ્યા જીવ, ઓ!
તું ભટકતો ક્યાં ફરે? આ ભીતરે જો, કૂપ છે.
મંદિરે લાંબી કતારો, શેઠિયા સીધા જતા,
દેવ પણ મલકી કહે: ભક્તો નથી, આ ભૂપ છે.
ધૂપને પૂછ્યું પરાગે: કેમ તું બળતો રહે?
એ કહે: મ્હેકું બળીને, એ જ મૂળ સ્વરૂપ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #ધૂપ #ત્યાગ #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sufi #Incense #Selflessness #Spirituality #ParagRatanpara