ઢૂકડો માંડવો
માંડવો ઢૂકડો આવ્યો રે, મારા હાથમાં મ્હેકી મેંદી,
બાપુ ચૂપ ને માડી રુએ, જાણે છૂટે ઘરની વેદી.
ઘરમાં તો ઢોલ ઢબૂકે, ચોકે ચીતર્યા છે સાથિયા,
ફળિયે ફળિયે ફરતા સૌ લઈ કંકોતરીના હાથિયા;
હું તો અરીસે ઊભી રહીને, મને જ ઓળખું નહીં રે, બેની…
માંડવો ઢૂકડો આવ્યો રે…
નાનો વીરો તો રિસાયો, ‘બેની, તું ક્યાં ચાલી?’ પૂછે,
ભાભી હસીને ભરે ચાંદલો, આંસુ પાલવથી લૂછે;
લીમડા હેઠે બાંધ્યો હીંચકો, હવે કોણ ઝુલાવશે, બેની…
માંડવો ઢૂકડો આવ્યો રે…
પરાગ કહે: દીકરી તો ઘરનું આંગણું લઈને જાતી,
પિયરની માટી પગની પાનીમાં ગૂંથી ગૂંથી ગાતી;
વળાવતાં બાપુ મૌન રહ્યા, પણ ભીંતો રડી ઊઠી, બેની…
માંડવો ઢૂકડો આવ્યો રે…
– પરાગ રતનપરા