ધરવ
તળાવ ભરાયું, સૈયર, ઓલ્યું તળાવ ભરાયું રે,
ધરતીનું આખું તરસ્યું ઉર ધરવે ધરાયું રે.
ભેંસું તરતી, બગલાં ઊડે, કાંઠે દેડકાં ગાય,
પાળે બેઠાં છોરાં છબછબ, ઘરે ઘરે મલકાય;
ખેડુ કહે: ‘આ વરસે ધાન તો બમણું થાશે, ભાય!’
તળાવ ભરાયું…
ગામની વહુવારુ બેડાં લઈને ઘાટે ઘાટે જાય,
ઝાંઝર રણકે, ચૂડી ખણકે, પાણીમાં પડછાય;
ચાંદો ઊતર્યો તળિયે, જાણે આભ ધરા પર આય…
તળાવ ભરાયું…
પરાગ કહે: આ ધરવ નથી રે કેવળ પાણી કેરો,
જેણે તરસ વેઠી, એ જ જાણે ધરવ કેટલો ઘેરો;
ખાલી ઘડો જ જાણે, ભરાતાં કેવું સુખ થાય…
તળાવ ભરાયું…
– પરાગ રતનપરા