ધરતીનો સાદ
મેં તો ખોળો પાથર્યો'તો, તમે ખોદી કાઢી ખાણ,
ધરતીમા પૂછે છે રે, કેવાં જણ્યાં મેં સંતાન!
વડલા કાપ્યા, પીપળ કાપ્યા, કાપી લીમડાની છાંય,
નદીઓનાં પટ વેચી નાખ્યાં, રેતી ભરી ટ્રકમાંય;
ચકલી શોધે માળો ને મળે સિમેન્ટનું વેરાન…
ધરતીમા પૂછે છે રે…
દરિયે નાખ્યું પ્લાસ્ટિક, ને આભે નાખ્યો ધુમાડો,
કૂવા ઊંડા, તળાવ સૂકાં, ઉનાળો થયો આડો;
વરસાદ પણ હવે આવે ત્યારે ભૂલી જાય છે ભાન…
ધરતીમા પૂછે છે રે…
પરાગ કહે: આ ધરતી કોઈ બાપદાદાની જાગીર નથી,
છોકરાંની પાસેથી ઉછીની લીધી, એ વાત કેમ સમજાતી નથી?
વાવો એક જ છોડ, ને પાછું આપો ધરતીનું માન…
ધરતીમા પૂછે છે રે, કેવાં જણ્યાં મેં સંતાન!
– પરાગ રતનપરા