ઢળતી સાંજમાં
ઓસરીએ એકલો હું, રામ ઢળતી સાંજમાં,
હાથમાં માળા અને આરામ ઢળતી સાંજમાં.
દોડતાં વીતી જુવાની દૂર મંઝિલ શોધતાં,
આ જ ઘરનો ઓટલો છે ઠામ ઢળતી સાંજમાં.
દીકરો પરદેશમાં ને સાસરે છે દીકરી,
બારણે તકતી ઉપર મુજ નામ ઢળતી સાંજમાં.
રાત આવે એ પહેલાં ઘર સમેટી રાખવું,
આ જ બસ અંતિમ બચેલું કામ ઢળતી સાંજમાં.
ફૂલ ખીલ્યું, મ્હેક વેરી, થાય ખરવાનું, પરાગ,
ડાળ પર લેવા પધાર્યા શ્યામ ઢળતી સાંજમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વૃદ્ધાવસ્થા #જીવનનીસાંજ #એકલતા #અંતિમયાત્રા #પરાગરતનપરા
#GujaratiGhazal #OldAge #EveningOfLife #Solitude #Surrender #ParagRatanpara