દીવાદાંડી
અમે દીવાદાંડી થઈને ઊભા રે, દરિયાને તીર,
વહાણ સૌ પાર ઊતર્યાં, કોઈ ન પાછું આવ્યું, વીર… હો જી…
રાતે રાતે જાગ્યા અમે, તેલ પૂર્યું લોહીનું,
અંધારે ભૂલ્યાંને દીધું ઠેકાણું બંદર કોઈનું;
વહાણ ગયાં હરખાતાં, એણે સઢ લહેરાવ્યા વાંકે,
અમને કોઈએ પૂછ્યું નહીં કે ‘કેમ છો ઊભા થાકે?’… હો જી…
માવતર પણ એવાં, ભાઈ, દીવાદાંડી જેવાં,
દીકરા પાર ઊતરી જાય, ને એ રહે ત્યાં ને ત્યાં સેવા;
કોઈ દિવસ જો ફોન આવે તો દીવો ઝબકે હરખે,
નહીંતર ઝળહળતા રહે એ ખાલી દરિયા પરખે… હો જી…
પરાગ કહે: દીવાદાંડીને વળતરની શી આશ?
એનું કામ તો એક જ: બળવું, આપવો પ્રકાશ;
વહાણ ન જાણે, તોય એની હેમખેમ યાત્રામાં,
દીવાદાંડીનો શ્વાસ ભળ્યો છે દરિયાની હર ઘાટમાં… હો જી…
– પરાગ રતનપરા