દરિયાનો ખારવો
સાયબો મારો દરિયાનો ખારવો, હું તો કાંઠાની રેત,
એ મોજાં સંગાથે ઝૂલે ને હું ઝીલું એનું હેત.
વ્હાણ ઊપડે ને વાયરા ફૂંકાય, મારું કાળજું કંપે,
ભરતીનાં પાણી પૂછ્યા કરે: ‘તારો સાયબો ક્યારે ઝંપે?’
હું તો છીપલાં વીણું ને ગણું દિવસો, આંગળીએ ચોંટે રેત…
સાયબો મારો…
પૂનમની રાતે દરિયો ઊછળે, ચાંદો ઝૂકે નીચો,
ઝૂંપડીએ મેં દીવો મૂક્યો, ભલે ને પવન હો ઊંચો;
દૂર ક્ષિતિજે સઢ જો દેખું, મારે આંગણ ઊગે ખેત…
સાયબો મારો…
પરાગ કહે: આ પ્રેમ નથી રે મોજાંની રમત,
મોજાં આવે, મોજાં જાય, પણ કાંઠો ન છોડે સંગત;
ખારા જળમાં મીઠું રહેવું — એ જ સાચો સંકેત…
સાયબો મારો…
– પરાગ રતનપરા