દરિયા રે દરિયા
દરિયા રે દરિયા, મારો સાજણ પાછો દે,
પૂનમની હોડી લઈ ગ્યો, હજીય ન આવ્યો એ.
ઝાંપે ઊભી રોજ નિહાળું, મોજાં ગણું હું સાત,
કોઈ મોજું તો એનું હશે, કરશે મારી સાથ વાત;
રેતીમાં હું નામ લખું, ને મોજું ભૂંસી નાખે એ…
દરિયા રે…
માછલાં વેચવા ગઈ’તી બજારે, લોક પૂછે સૌ વાત,
ચૂડલો મારો ખણકે ત્યારે, ધ્રૂજે મારી જાત;
કાંઠે બેઠા ખારવા કહે: ‘મોટું તોફાન હતું તે…’
દરિયા રે…
પરાગ કહે: દરિયો તો ગંભીર, બોલે નહીં કંઈ વેણ,
કેટલી આંખોનાં ખારાં પાણી, એ જ એનાં નેણ;
એટલે તો દરિયો ખારો, આંસુ સૌનાં ઝીલે એ…
દરિયા રે…
– પરાગ રતનપરા